હાલમાં સુરતના ડુમસના ગવિયર વિસ્તારમાં લગ્નના એક વર્ષ બાદ 21 વર્ષીય પરિણીતાએ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું કે, સાસરિયાઓ દ્વારા સતત થતી હેરાનગતિથી કંટાળીને મારી બહેને આત્મહત્યા કરી લીધી છે. પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવી જોઈએ.
મળતી માહિતી મુજબ, 21 વર્ષીય કરીના કિશન પટેલ સુરતના ગવિયર વિસ્તારમાં પટેલ પરિવાર સાથે રહેતી હતી. એક વર્ષ અગાઉ કરીનાએ પરિવારની મરજી વિરુદ્ધ કિશન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્રણ મહિના પછી પરિવારે દીકરીને સ્વીકારી લીધી અને દીકરીનું પણ પિયરમાં આવવા-જવાનું થઈ ગયું હતું.
કરીનાના ભાઈ નીરવ પટેલે જણાવ્યું કે, કરીનાના પરિવારમાં એક સુંદર દીકરી હતી અને તે ભણેલી હતી. પરંતુ, એક વર્ષ પહેલા તે ભાગી ગઈ હતી અને સોશિયલ મીડિયા દ્વારા ગવિયરમાં રહેતા કિશનના સંપર્કમાં આવ્યા બાદ લગ્ન કર્યા પછી પરિવાર તૂટી ગયો હતો. લગભગ 3 મહિના સુધી અબોલા રહ્યા હતા. જોકે, તેમાંથી એકને એક પુત્રી અને બે ભાઈઓ હોવાથી તેઓએ તેનો સ્વીકાર કર્યો અને તેને ઘરે બોલાવવાનું શરૂ કર્યું.
જ્યારે કરીના ઘરે આવી ત્યારે તેણે તેની માતાને કહ્યું કે, કિશન કામ કરતો નથી અને તે મગદલ્લા પોર્ટ પર કામ કરે છે તેમ કહીને લગ્ન કરી લીધા. હવે તે પિયરથી પૈસા લાવવા દબાણ કરે છે. ઘરે કામ બાબતે માનસિક ત્રાસ પણ આપે છે. સાસરિયાઓ પાસે ઘર ચલાવવા માટે પણ પૈસા નથી.
ગઈ કાલે કરીનાએ ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. માતા-પિતા સહિત પરિવારને એક કલાક બાદ આ અંગેની જાણ થઈ હતી. કરીનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તે જ સમયે, પોલીસ પરિવારના સભ્યોના આરોપોની પણ તપાસ કરી રહી છે.
નીરવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારી પોલીસ અને સરકાર પાસે એક જ માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. આ સાથે હું પોલીસને અપીલ કરું છું કે પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજુરી ફરજિયાત બનાવવી જોઈએ જેથી અન્ય કોઈ યુવતી સાથે આવું ન થાય.